ગિરનારની લીલી પરિક્રમા એટલે પ્રક્રુતિને ખોળે મહાલવાનો એક અનેરો અવસર. સોળે કળાએ ખિલેલી કુદરત ને માણવા માટે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી ૩૬ કિ.મી.ની લીલી પરિક્રમા ભવનાથ
તળેટીથી શરૂ થઈને ભવનાથ મહાદેવનાં દર્શન કરીને પાંચ દિવસે સમાપ્ત થાય છે
ગિરનાર પર્વત વર્ષોવર્ષથી શ્રદ્ધાળુઓને સમગ્ર વર્ષ દરમિયાન આમંત્રિત
કરતો રહે છે પરંતુ કારતક સુદ દેવ ઊઠી અગિયારસથી પૂર્ણિમા સુધીના પાંચ દિવસ આ
પર્વતની પ્રદક્ષિણા વર્ષમાં માત્ર આ દિવસોમાં જ કરી શકાય છે તેથી આ દિવસો
દરમિયાન અહીં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઊમટે છે. ગિરનાર પર્વતમાં વસી ગયેલા
સિદ્ધપુરુષો, તપસ્વીઓ તેમજ સાધુઓની અનેક વાયકાઓ પ્રચલિત છે. હિંદુઓ માને છે
કે તેત્રીસ કરોડ દેવો તેમજ ચોરાસી સંતાની અહીં બેઠક છે. દિવ્યાત્માઓ
ઉપરાંત ભર્તુહરિ, અશ્વત્થામા તથા માર્કંડેય ઋષિ નિ:શરીર રૂપે હજુ પણ અહીં
વિચરે છે!
લગભગ ૩૬ કિ.મી.ની પ્રલંબ આ પદયાત્રાનો શુભારંભ ભવનાથ તળેટીમાં
દામોદરકુંડ અને મૃગીકુંડમાં સ્નાન કરીને એક આચમન લઇ ભવનાથ મહાદેવ અને
દુગ્ધેશ્વર મહાદેવનાં દર્શન કરીને થાય છે. ભવનાથથી પ્રયાણ કરી ઝીણાબાવાની
મઢી તરફ જતાં પ્રથમ ઇશ્વેશ્વર મહાદેવનું મંદિર આવે છે. અહીં બુદ્ધ વિહારનો
પાયો ઉત્ખન્ન દરમિયાન મળી આવ્યો હતો.
ચારચોકથી એક રસ્તો ઝીણાબાવાની મઢી તરફ જાય છે અને બીજો રસ્તો જમણે એકાદ
કિ.મી. દૂર જંગલમાં રાણિયા કૂવા પાસે મહાદેવના સ્થળે પહોંચે છે. આ સ્થાન
વનરાજીથી ભરપૂર છે. જંગલનું વાતાવરણ અને વનકેસરીની ગર્જના અને પંખીઓનો કલરવ
અહીં સહજ છે. ચારચોકથી ઝીણાબાવાની મઢીએ પહોંચાય છે.
હાજરાહજૂર સરકડિયા હનુમાનના સ્થાનકના ઘણા પરચા મળ્યાની વિગતો ભાવિકોમાં
આજે પણ ચર્ચાય છે. સૂરજકુંડમાં સ્નાન કરી શ્રદ્ધાળુઓ માલવેલામાં મહાદેવનાં
દર્શન કરી રાત્રિ રોકાણ કરે છે. અહીં માલવેલાની તળેટીમાંથી રામગંગા નીકળે
છે. આ નદીનું મૂળ પુરાઓમાંથી મળી આવે છે. અહીં પૌરાણિક કાળમાં પરશુરામનો
આશ્રમ હતો તેમ કહેવાય છે. સૂર્યકુંડ પણ અહીં જ છે.
માલવેલાથી નળપાણીની ઘોડી-પર્વત ચઢીને નળપાણીની જગ્યામાં વિસામો કરી
યાત્રાળુઓ હેમાજલિયા થઇ બોરદેવી પહોંચે છે. જયાં બોરદેવી માતાજીનું પુરાણું
મંદિર છે. આ મંદિરના સ્થાને બોરડીનું વૃક્ષ હતું. ત્યાં માતાજી પ્રગટ થતાં
બોતદેવી કહેવાયાં. બાજુમાં લાખા ખેડી નામે જીર્ણ ખંડેર છે. અહીંથી કેટલાક
અવશેષો મળી આવ્યા છે. તેમાં એક સ્તુપ છે, જેની પાસેથી માટીના પાત્રમાં
ત્રાંબાનું પાત્ર તેમાં ચાંદીનું પાત્ર અને સુવર્ણની એક ડબ્બી પણ મળી આવી
છે.
આ અંતિમ પડાવ છે. બોરદેવીના સ્થાન પરથી ગિરનાર પર્વતના ગોરખનાથની ટૂક,
દત્તાત્રેયની ટૂક, કમંડળ ટૂક, કાળકાની ટૂંક તેમજ અનસૂયા ટૂકના પાવન દર્શન
થાય છે. અંતે બોરદેવીથી ખોડિયાર ઘોડી ચઢીને ભવનાથની તળેટીમાં પુન: પહોંચાય
છે. આમ સમગ્ર પરિક્રમાનો કષ્ટદાયક પાવક માર્ગ સંપન્ન થાય છે અને જયારે
શ્રદ્ધાળુઓ ભાવસભર બની નત મસ્તકે ભવનાથ મહાદેવજીનાં દર્શન કરી વિદાય લે છે,
ત્યારે પ્રત્યેકના મસ્તિકમાં આ ભવની પરિક્રમા દરમિયાન આ સુભગ પાંચ દિવસના
સમન્વયની ધન્ય ઘડીઓની દિવ્ય અનુભૂતિનાં કેટલાંય સંભારણાં સચવાઇ રહે છે, જે
તેમની જીવનયાત્રા દરમિયાન ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધાને દૃઢ બનાવતી રહે છે!
ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર નાગા સાધુઓનુ રહેણાંક છે. તેઓના દર્શન તેમજ તેમના જીવનને નજીકથી નિરખવાનો મોકો ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જ મળેશે જે ગુમાવવા જેવો તો નથીજ.
ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર નાગા સાધુઓનુ રહેણાંક છે. તેઓના દર્શન તેમજ તેમના જીવનને નજીકથી નિરખવાનો મોકો ગિરનારની લીલી પરિક્રમા દરમ્યાન જ મળેશે જે ગુમાવવા જેવો તો નથીજ.
!! જય ભોલેનાથ જય ગિરનારી !!