05/07/2014

અમરનાથ યાત્રા - : પ્રકૃતિ દર્શન અને અધ્યાત્મનો અનેરો યોગ

                       કર્મયોગી ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં ઈશ્વરના વિરાટ સ્વરુપ વિશે કહ્યું છે કે હું જ જગત અને પ્રકૃતિના કણ-કણમાં વ્યાપ્ત છું. ઈશ્વરના આ વિરાટ સ્વરુપ અને સૌંદર્યની અનુભૂતિ થાય છે અમરનાથ યાત્રામાં. અમરનાથ યાત્રા ધાર્મિક દ્રષ્ટિએ પુણ્ય લાભ આપે છે સાથે-સાથે આ પવિત્ર સ્થાનમાં વ્યાપ્ત કુદરતી સૌંદર્ય પણ અહીં આવનારને અભિભૂત કરી દે છે. આ પ્રાકૃતિક દ્રશ્યો જોવાથી મળતી આનંદમયી અને આધ્યાત્મિક અનુભૂતિ દરેક તીર્થયાત્રીને ઊંડી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. જેના દ્વારા તેનામાં તાજગી અને માનસિક ઊર્જાનો સંચાર થાય છે. આ જ કારણ છે કે આ તીર્થોની ઊંચાઇ પરથી નીચે ઊતરતો દરેક શ્રદ્ધાળુ એ માનસિક શાંતિનો અહેસાસ કરે છે કે તેણે પહાડોની ઊંચાઇને સ્પર્શીને જીવનની ઊંચાઇઓ પ્રાપ્ત કરી છે. પુરાણોમાં લખવામાં આવ્યું છે કે માનવે રાગ, દ્વેષ, મોહ, માયા જેવા લૌકિક બંધનોમાંથી છૂટકારો મેળવવા તીર્થયાત્રા કરવી જોઇએ. ત્યાં સાધુ-સંતોની સંગતથી ઈશ્વરીય તત્વનો અનુભવ મેળવવો જોઇએ. માટે યથાસંભવ આ પુણ્યસભર અવસરનો આધ્યાત્મિક લાભ ચોક્કસ લેવો જોઇએ.

                     અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શ્રીનગરથી  ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ  ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.
                    અહીંની મુખ્ય વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને બર્ફાની બાબા પણ કહે છે. અષાઢી પૂનમથી શરૂ કરી બળેવ સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચન્દ્રના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ વધ-ઘટ થતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.
                      એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ, શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તેને મોક્ષ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.
                         અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો  બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે. અને સુરક્ષાની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે.
                         આ વખતે અમરનાથ યાત્રા ૨૮ જૂન ૨૦૧૪ થી શરૂ થઇશે. જે ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ એટલે કે ૪૪ દિવસો સુધી ચાલશે. તો તૈયાર થઇ જાઓ...બાબા ને બૂલાયા હૈ......બર્ફાની બાબાના દર્શન કરવા
          અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન ફોર્મ માટે અહી ક્લીક કરો ઃ- અમરનાથ યાત્રા રજીસ્ટ્રેશન ફોર્મ

                                     જય બર્ફાની બાબા.........જય ભોલેનાથ.....

1 comment: